
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ ફરી એકવાર સમાચારમાં છે. આ વર્ષની શરૂઆતમાં, તેમના રોકાનું ફંક્શન હતું અને હવે બંને ટૂંક સમયમાં એકબીજાના થવાના છે. રિંકુ સિંહ અને પ્રિયા સરોજ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. આ કપલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને હવે રિંગ સેરેમની અને લગ્નની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ અને બિઝનેસમેન આ ભવ્ય ફંક્શનમાં હાજરી આપશે.
રિંકુ-પ્રિયા સરોજના લગ્ન નક્કી થયા
એક અહેવાલ મુજબ, રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની રિંગ સેરેમની 8 જૂને લખનૌની એક 7 સ્ટાર હોટેલમાં થશે, જ્યારે લગ્ન 18 નવેમ્બરે વારાણસીની તાજ હોટેલમાં થશે. એક ભવ્ય ફંક્શનની અપેક્ષા છે જેમાં ઘણા મોટા રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ અને બિઝનેસમેન હાજરી આપશે. લગ્ન પરંપરાગત રીતરિવાજો અનુસાર યોજાશે.
તમને જણાવી દઈએ કે, રિંકુ સિંહ અને પ્રિયા સરોજ બંને એકબીજાને પહેલાથી જ ઓળખે છે. પ્રિયાના એક મિત્રના પિતા એક ક્રિકેટર છે, જે રિંકુને પણ ઓળખે છે. તેમણે આ બંનેની મુલાકાત કરાવી અને ઓળખાણ વધતી ગઈ. એવો દાવો કરવામાં આવે છે કે રિંકુનું અલીગઢમાં નવું ઘર પ્રિયાએ ફાઈનલ કર્યું હતું.
ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે રિંકુ સિંહ
27 વર્ષીય રિંકુ સિંહ ભારતીય ક્રિકેટનો ઉભરતો સ્ટાર છે. ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી રિંકુ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે પોતાની વિસ્ફોટક બેટિંગથી IPLમાં છાપ છોડી ચૂક્યો છે. IPL 2025માં, KKR એ તેને 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તે ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહ્યો છે, જોકે તે મેઈન સ્કવોડમાં નહીં પર્ણ રિઝર્વ ખેલાડી તરીકે સામેલ થયો હતો. ફિનિશર તરીકેની તેની ભૂમિકા અને દબાણ હેઠળ રન બનાવવાની ક્ષમતાએ તેને ફેન્સના ફેવરિટ બનાવ્યો છે. બીજી તરફ, પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સૌથી યુવા સાંસદ છે. સરોજના પિતાનું નામ તૂફાની સરોજ છે. તૂફાની ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તૂફાની સરોજ હાલમાં કેરાકટ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.