
ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર આજે એટલે કે 24 એપ્રિલે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સચિનના ખાસ દિવસે સચિનના 10 એવા રેકોર્ડ વિશે જણાવશું, જે ઇતિહાસના પાનાઓમાં અમર છે.
સૌથી લાંબી ODI કારકિર્દી
સચિન તેંડુલકરના નામે સૌથી લાંબી વનડે કારકિર્દીનો પણ વર્લ્ડ રેકોર્ડ પણ છે. 22 વર્ષ અને 91 દિવસ સુધી ODI ક્રિકેટ રમ્યા બાદ તેમણે નિવૃત્તિ લીધી. આ સમયગાળા દરમિયાન તેમણે કુલ 463 મેચ રમી. શ્રીલંકાના સનથ જયસૂર્યા તેની નજીક આવ્યા હતાં, તેણે 21 વર્ષ અને 184 દિવસની કારકિર્દીમાં 445 વનડે રમી, પરંતુ તે પણ સચિનનો રેકોર્ડ તોડી શક્યો નહીં.
સૌથી વધુ ટેસ્ટ સદીઓ
સચિન તેંડુલકરના નામે સૌથી વધુ ટેસ્ટ સદી (51) ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. સક્રિય ખેલાડીઓમાં, જો રૂટ અને સ્ટીવ સ્મિથે 36-36 સદી ફટકારી છે, પરંતુ એવું લાગે છે કે તેઓ સચિનનો રેકોર્ડ તોડી શકશે નહીં.
સૌથી વધુ ODI રન
સચિન તેંડુલકરના નામે સૌથી વધુ વનડે રન 18,426 બનાવવાનો પણ વિશ્વ રેકોર્ડ છે. વિરાટ કોહલી 14,181 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જોકે, હવે ODI ક્રિકેટ ખૂબ ઓછું રમાય છે, જેના કારણે કોહલી માટે સચિનનો આ રેકોર્ડ તોડવો ખૂબ મુશ્કેલ છે.
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો
સચિન તેંડુલકરના નામે સૌથી વધુ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો વિશ્વ રેકોર્ડ છે. એક સમયે એવું લાગતું હતું કે શ્રીલંકાના મહેલા જયવર્ધને (652) આ રેકોર્ડ તોડી શકે છે, પરંતુ તે પણ ચૂકી ગયો.
સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી
1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સચિન તેંડુલકરના નામે સૌથી લાંબી ક્રિકેટ કારકિર્દીનો રેકોર્ડ છે. તે ઓછામાં ઓછા 100 મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. સચિને ક્રિકેટના મેદાન પર કુલ 24 વર્ષ અને 1 દિવસ વિતાવ્યો છે, જે દરમિયાન તેણે કુલ 664 મેચ રમી છે.
15 હજારથી વધુ વનડે રન અને 150થી વધુ વિકેટ
સચિન તેંડુલકરની ODI કારકિર્દી શાનદાર રહી છે, તે 50 ઓવરના ફોર્મેટમાં 15,000 થી વધુ રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર છે. તેમણે પોતાની કારકિર્દીમાં 463 મેચોમાં 18426 રન બનાવ્યા, જેમાં 49 સદીનો સમાવેશ થાય છે. સચિને પોતાની બોલિંગના દમ પર ભારત માટે ઘણી મેચો પણ જીતી હતી. આ ફોર્મેટમાં તેના નામે 154 વિકેટ છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
ક્રિકેટના ઇતિહાસમાં સચિન તેંડુલકર એકમાત્ર બેટ્સમેન છે જેમના નામે વર્લ્ડ કપમાં 2000 થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 6 વર્લ્ડ કપમાં તેમના બેટમાંથી કુલ 2278 રન આવ્યા. આ ઉપરાંત સચિન તેંડુલકરના નામે વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન (673) બનાવવાનો વિશ્વ રેકોર્ડ પણ છે.
સૌથી વધુ ટેસ્ટ મેચો
સૌથી વધુ ટેસ્ટ મેચ (200) રમવાનો વિશ્વ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમાં ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન (188) તેની નજીક આવ્યો હતો પરંતુ 41 વર્ષની ઉંમરે તેણે હાર માની લીધી હતી.
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન
સચિન તેંડુલકરના નામે સૌથી વધુ 34357 આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ પણ છે. સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલી 27599 રન સાથે તેમની પાછળ છે, પરંતુ કોહલી માટે તેમને પાછડવો ખૂબ મુશ્કેલ હશે.
ODIમાં સૌથી વધુ POTM
સચિન તેંડુલકરને તેમના ODI કારકિર્દીમાં કુલ 62 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો, આ પણ એક વિશ્વ રેકોર્ડ છે. તેમના સિવાય અન્ય કોઈ ખેલાડી 50 વાર પણ આ કરી શક્યો ન હતો. સક્રિય ક્રિકેટરોમાં કોહલી 43 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સાથે તેના પછી આવે છે.