
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં શ્રેણીની આખરી અને બીજી ટેસ્ટ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 531 રન બનાવ્યા છે. આ સાથે શ્રીલંકાની ટીમે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડરેકોર્ડ તોડ્યો છે.
આઈપીએલ 2024ની લીગ ચાલી રહી છે અને તમામ ક્રિકેટ પ્રમીઓ ટૂર્નામેન્ટમાં મશગૂલ છે. પરંતુ આ વચ્ચે શ્રીલંકાએ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચતા ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશની બે મેચોની ટેસ્ટ સીરીઝનો બીજો મુકાબલો ચૈટોગ્રામમાં રમાઈ રહ્યો છે. મેચના બે દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બીજા જ દિવસે શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
1976માં ટીમ ઈન્ડિયાએ એક પણ સદી વિના 524 રન બનાવ્યા હતા
શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 531 રન ખડક્યા છે. જોકે, મહત્ત્વની વાત એ છે કે, શ્રીલંકાના કોઈ પણ ખેલાડીએ સદી ફટકારી નથી. જેના પગલે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં વગર સેન્ચુરીએ એક ઈનિંગમાં સૌથી મોટો ટોટલ બનાવવાનો રેકોર્ડ ભારતના નામે હતો, જેને હવે શ્રીલંકાએ પોતાના નામે કરી લીધો. આજથી 48 વર્ષ પહેલા 1976માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે કાનપુરમાં રમાયેલા મુકાબલામાં 9 વિકેટ પર 524 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં ભારત માટે કોઈએ પણ સદી ફટકારી ન હતી.
6 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 531 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો પરંતુ 6 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. કુસલ મેન્ડિસે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. છેલ્લી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર કામિન્દુ મેન્ડિસ 92 રન બનાવ્યા બાદ અંત સુધી અણનમ રહ્યો હતો. દિમુથ કરુણારત્નેએ 86 રન, કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 70, દિનેશ ચાંદીમલ 59 અને નિશાન મદુષ્કાએ 57 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.