
થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. નિવૃત્તિની જાહેરાત કરતા તેણે લખ્યું, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે રાખીશ."
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કારકિર્દી
વિરાટ કોહલીએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં કુલ 123 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 9230 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 46.85 છે. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 254 રન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. તેણે કુલ 1027 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા છે.
- કુલ મેચ: 123
- ઈનિંગ્સ: 210
- રન: 9230
- સૌથી મોટી ઈનિંગ: 254 (સાઉથ આફ્રિકા સામે)
- સરેરાશ: 46.85
- સ્ટ્રાઇક રેટ: 55.57
- સદીઓ: 30
- અડધી સદી: 31
- ફોર: 1027
- છગ્ગા: 30
ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે નોંધાયેલા મોટા રેકોર્ડ
કોહલી ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો 19મો બેટ્સમેન છે. તે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન છે, તેણે કુલ 4 બેવડી સદી ફટકારી છે.
ટેસ્ટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે 26મા સ્થાને છે.
વિરાટ કોહલી 6000 રન બનાવનાર 9મો સૌથી ઝડપી બેટ્સમેન હતો, અને 7000 રન બનાવનાર 5મો સૌથી ઝડપી બેટ્સમેન હતો.
વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમનાર ભારતીય ખેલાડી છે, તે વિશ્વમાં આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે.
મેનેજમેન્ટ નહતું ઈચ્છતું હતું કે કોહલી નિવૃત્તિ
રોહિત શર્માની નિવૃત્તિ પછી, વિરાટ કોહલીએ BCCIને કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, જોકે મેનેજમેન્ટ ઈચ્છતું હતું કે તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર જાય. પરંતુ કોહલીએ તેની વાત ન સાંભળી. BCCIએ હજુ સુધી ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરનાર ટેસ્ટ કેપ્ટનની જાહેરાત નથી કરી. આમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહના નામ રેસમાં છે.