
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને નિરાશ કર્યું છે. વિરાટે પોતાના 14 વર્ષના ટેસ્ટ કરિયરમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી, પરંતુ અચાનક નિવૃત્તિ લેવાના તેના નિર્ણયથી બધા ચોંકી ગયા હતા. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા તેની સાથે વાત કરી હતી. રવિ શાસ્ત્રીએ તાજેતરમાં ICC રિવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા તેને શું કહ્યું હતું. કોહલીએ શાસ્ત્રીને કહ્યું હતું કે, તેણે ટીમને બધું જ આપી દીધું છે અને હવે તેને કોઈ અફસોસ નથી. નિવૃત્તિના એક અઠવાડિયા પહેલા વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રી સાથે વાત કરી હતી.
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કોહલીનું મન સંપૂર્ણપણે સ્પષ્ટ હતું. કોહલીએ સ્પષ્ટપણે કહ્યું કે, નિવૃત્તિના નિર્ણય અંગે તેના મનમાં કોઈ શંકા નથી. કોહલીનું મન તેને કહી રહ્યું હતું કે હવે બહુ થયું. રવિ શાસ્ત્રીએ પણ સ્વીકાર્યું કે વિરાટ સાથે વાત કરવા છતાં, તે નિવૃત્તિના નિર્ણયથી આશ્ચર્યચકિત હતો. તેને લાગ્યું કે કોહલી બે-ત્રણ વર્ષ વધુ ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે, પરંતુ જ્યારે કોઈ ખેલાડી માનસિક રીતે થાકી જાય છે, ત્યારે તેનું શરીર પણ હાર માની લે છે. ખેલાડી શારીરિક રીતે ગમે તેટલો ફિટ હોય, જો તે માનસિક રીતે થાકેલા હોય તો નથી રમી શકતા.
રવિ શાસ્ત્રીએ વિરાટના ફેન ફોલોઈંગ વિશે વાત કરી
રવિ શાસ્ત્રીએ કહ્યું, કોહલીની લોકપ્રિયતા પણ તેના થાકનું કારણ બની હતી. કોહલીને આખી દુનિયામાં માન મળ્યું છે. છેલ્લા દાયકામાં કોઈપણ ખેલાડીના આટલા ફેન્સ નથી. ઓસ્ટ્રેલિયા હોય કે સાઉથ આફ્રિકા, લોકો તેને મળવા આવતા. લોકોનો તેની સાથે પ્રેમ અને નફરતનો સંબંધ હતો. લોકો તેના પર ગુસ્સે પણ થતા હતા. તે જે રીતે ઉજવણી કરતો હતો તે દર્શાવે છે કે તેનામાં રમવા માટે કેટલો જુસ્સો અને ઉત્સાહ હતો.