
ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેનો પ્રભાવશાળી દેખાવ જારી રાખતા લીડ્સના હેડિંગ્લેમાં શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 101 રનની યાદગાર ઈનિંગ રમી હતી. જયસ્વાલની કારકિર્દીની આ પાંચમી અને વિદેશની ભૂમિ પર ત્રીજી સદી હતી. આ સાથે તે લીડ્ઝના હેડિંગ્લેમાં સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય ઓપનર અને લીડ્ઝમાં સદી નોંધાવનારા સાતમો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
પ્રથમ ભારતીય ઓપનર
લીડ્સના હેડિંગ્લેમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ ઓપનર તરીકેની અનોખી સિદ્ધિ જયસ્વાલે નોંધાવી હતી. અગાઉ લીડ્ઝમાં ભારતના ઓપનર ફારૂખ એન્જિનિયર (1967), સુનિલ ગાવસ્કર (1979), સંજય બાંગર (2002) અને રોહિત શર્મા (2021) અડધી સદી નોંધાવી ચૂક્યા છે. જયસ્વાલે સદી ફટકારવાની સાથે અનોખો રેકોર્ડ સર્જ્યો હતો.
ઈંગ્લેન્ડમાં પહેલી જ ઈનિંગ યાદગાર
ઈંગ્લેન્ડની ભૂમિ પર કારકિર્દીમાં પહેલીવાર રમી રહેલા જયસ્વાલે સદી ફટકારવાની સાથે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે 11 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌપ્રથમ વખત રમતા ભારતના કોઈ બેટ્સમેને સદી ફટકારી હોય તેવું બન્યું છે. છેલ્લે 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં પહેલીવાર રમતા મુરલી વિજયે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જયસ્વાલ આવી સિદ્ધિ મેળવનારો વિજય માંજરેકર, સંદીપ પાટિલ (1982), સૌરવ ગાંગુલી (1996) તેમજ મુરલી વિજય (2014) પછીનો પાંચમો બેટ્સમેન બન્યો છે.
લીડ્સમાં 23 વર્ષ બાદ ભારતના બે બેટ્સમેને સદી ફટકારી
લીડ્ઝના હેડિંગ્લેમાં જયસ્વાલ ગિલે સદી ફટકારી તે સાથે આ મેદાન 23 વર્ષ બાદ ભારતના બે બેટ્સમેને એક સાથે સદી ફટકારી છે. છેલ્લે 2002ની ટેસ્ટમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલીએ એક જ મેચમાં સદી ફટકારી હતી. તે અગાઉ વિજય માંજરેકર, એમ.એ.કે. પટૌડી, દિલીપ વેંગસરકર પણ આ મેદાનમાં એક જ મેચમાં સદી ફટકારી ચૂક્યા છે.