
તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે રિષભ પંતને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શુભમન ગિલના નવા ટેસ્ટ કેપ્ટન બનવાની ચર્ચા ચાલી રહી હતી. આખરે BCCI એ તેની જાહેરાત કરી અને આ ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી સોંપી. એવામાં ગિલના કેપ્ટન બન્યા પછી, યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.
ગિલ કેપ્ટન બન્યો તેનો શ્રેય યુવરાજ સિંહને જાય છે: યોગરાજ સિંહ
યોગરાજ સિંહે કહ્યું કે, "ગિલ આજે કેપ્ટન બની ગયો છે પરંતુ આનો સંપૂર્ણ શ્રેય તેના પિતા અને યુવરાજ સિંહને જવો જોઈએ, યુવીએ ગિલ પર ખૂબ મહેનત કરી છે અને તેનું ફળ આજે તેને મળ્યું છે."
નોંધનીય છે કે શુભમન ગિલ બાળપણથી જ તેના પિતાના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લઈ રહ્યો છે. તે દરમિયાન તેને ભારતનો આગામી સુપરસ્ટાર બેટ્સમેન કહેવામાં આવતો હતો. યુવરાજે 2020માં લોકડાઉન દરમિયાન શુભમન ગિલને ટ્રેનિંગ આપી હતી. તે દરમિયાન પંજાબના કેટલાક અન્ય ક્રિકેટરો પણ તેની સાથે હતા.
25 વર્ષની ઉંમરે, ગિલ ભારતનો પાંચમો સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન બન્યો
જણાવી દઈએ કે કોહલી અને રોહિતની નિવૃત્તિ પછી, ગિલ પર હવે કેપ્ટન તરીકે મોટી જવાબદારી છે. આવતા મહિને, ભારતે ઈંગ્લેન્ડના પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પહેલી ટેસ્ટ 20 જૂને રમાશે. ગિલ માટે કેપ્ટન તરીકે આ એક મોટી સિરીઝ બનવાની છે.
આ સાથે જ 25 વર્ષની ઉંમરે, ગિલ ભારતનો પાંચમો સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન બન્યો. આ પહેલા મન્સૂર અલી ખાન પટૌડી (21), સચિન તેંડુલકર (23), કપિલ દેવ (24) અને રવિ શાસ્ત્રી (25) એ તેના કરતાં નાની ઉંમરે ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે.