
ભાજપના કેન્દ્રિય અધ્યક્ષની નિમણૂંકમાં સતત મોડું થઈ રહ્યં છે. જેપી નડ્ડાનું સ્થાન કોણ લેશે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી હજુ કોઈ નામ પર મહોર વાગી નથી. પરંતુ હવે કારોબારીની સક્રિયતા જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં ભાજપના કેન્દ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે. હજુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી થઈ નથી. એવામાં આ રાજ્યોના અધ્યક્ષના નામ જુલાઈમાં જાહેર થાય તેવી સંભાવના હોય આ નામ ડિક્લેર થયા પછી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિર્ણય લેવામાં આવશે. ભાજપના બંધારણ પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઓછામાં ઓછા દેશમાં અડધા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થવી જરૂરી છે.
RSS ઇચ્છશે કે તેની પૃષ્ઠભૂમિમાંથી કોઈ નેતા પ્રમુખ બને
આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ ચર્ચા વિચારણ હજુ સુધી થઈ નથી. પક્ષનું નેતૃત્વ ઇચ્છે છે કે પ્રમુખની પસંદગી સંઘની સંમતિથી થાય. આનું કારણ એ છે કે RSS ઇચ્છશે કે તેની પૃષ્ઠભૂમિમાંથી કોઈ નેતા પ્રમુખ બને. ભાજપ અને સંઘનું નેતૃત્વ ઘણીવાર પ્રદેશ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય પ્રમુખ સુધીના પદો માટે કોઈ બહારના વ્યક્તિને મહત્વ આપવા માંગતું નથી. પક્ષનું નેતૃત્વ માને છે કે સંગઠનની કમાન વૈચારિક રીતે મજબૂત લોકોના હાથમાં હોવી જોઈએ. આ જ કારણ છે કે રાષ્ટ્રીય પ્રમુખની રેસમાં જે લોકોના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે તેમાંથી મોટાભાગના લોકો કાં તો કોઈ સમયે સંઘમાં રહ્યા છે અથવા કટ્ટર ભાજપના સભ્યો છે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણી નવા પ્રમુખના નેતૃત્વમાં ભાજપ લડશે
હાલમાં એ નક્કી મનાઈ રહ્યું છે કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણી નવા પ્રમુખના નેતૃત્વમાં ભાજપ લડશે. બિહારમાં ઓક્ટોબર અથવા નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે. ભાજપમાં અધ્યક્ષની ચૂંટણીમાં ક્યારેય મોડું થયું નથી પરંતુ પહેલા લોકસભાની ચૂંટણીઓ અને પછી મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે ભાજપ અધ્યક્ષપદની ચૂંટણી વિલંબમાં મુકાઈ. પહેલા પ્રદેશ પ્રમુખોની નિમણૂંક થયા બાદ ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પર વિચાર-વિમર્શ થશે. અમિત શાહ અને નડ્ડાની જ્યારે અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ ત્યારે એટલો સમય નહોતો લેવાયો.
મોટા રાજ્યોમાં ભાજપ અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા ગુંચવાઈ છે
યુપી, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં ભાજપ અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા ગુંચવાઈ છે. ઓબીસી મતોનું ધ્રુવિકરણ કરવા વચ્ચે ભાજપ પણ ઈચ્છી રહ્યું છે કે કોઈ ઓબીસીને તક મળે. યુપીમાં મુખ્યમંત્રી યોગી રાજપૂત છે તો સંગઠનની કમાન કોઈ ઓબીસી નેતાને સોંપી શકે છે. મધ્યપ્રદેશમાં સંગઠનનું નેતૃત્ત્વ સવર્ણને મળી શકે તેવી સંભાવના છે.
જેપી નડ્ડાનો કાર્યકાળ વર્ષ 2023માં પૂરો થઈ ગયો હતો. ત્યારથી અત્યાર સુધી કાર્યકારી અધ્યક્ષ તરીકે કામગીરી થઈ રહી છે. ત્યારે હવે જેપી નડ્ડાના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, સુનિલ બંસલ, મનોહરલાલ ખટ્ટર, જી. કિશન રેડ્ડી જેવા નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે.