
શ્રીલંકાની ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં વન-ડે સિરીઝ રમ્યા બાદ ટેસ્ટ શ્રેણી રમશે. જોકે, આ સ્થિતિ વચ્ચે શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત ખેંચી હતી. જેને બાંગ્લાદેશ સામે રમાનાર ટેસ્ટ સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે વાનિન્દુ હસરંગાને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યાના બીજા જ દિવસે અમ્પાયર સાથે ગેરવર્તણૂકના આરોપમાં 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વાનિન્દુ હસરંગા હાલમાં શ્રીલંકા ક્રિકેટ ટીમ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર છે. જેમાં વન-ડે સિરીઝમાં બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. આ હાર બાદ શ્રીલંકાએ ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં વાનિન્દુનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેણે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
પરંતુ ICCના એક નિર્ણયે ટેસ્ટ ક્રિકેટમાં વાપસીના હસરંગાના સપનાને હાલ પૂરતું મુલતવી રાખી દીધું છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ તેની અડધી મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી અને ત્રણ ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. આ રીતે હસરંગાને એક વર્ષમાં 8 ડીમેરિટ પોઈન્ટ મળ્યા. ICCના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડીને એક વર્ષમાં 8 ડીમેરિટ પોઈન્ટ મળે છે, તો તેને 2 ટેસ્ટ અથવા 4 વન-ડે અથવા 4 ટી-20 ઈન્ટરનેશનલ મેચ માટે ઓટોમેટીક સસ્પેન્ડ કરવામાં આવે છે. હસરંગા પાસે સજા સામે અપીલ કરવાનો વિકલ્પ છે. જો આઈસીસી હસરંગાની અપીલ ફગાવી દે છે તો તેનો અર્થ એ થશે કે તે ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં.
ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 માર્ચથી સિલ્હટમાં રમાશે
નોંધનીય છે કે, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 માર્ચથી સિલ્હટમાં રમાશે, જ્યારે બીજી મેચ 30 માર્ચથી ચટગાંવમાં રમાશે.